સિનિયોરીટી કે સફળતાના માપદંડથી જોઈએ તો નવજોત સિંહ સિદ્ધુ, કપિલદેવ અને ગવાસ્કર કરતા વામણો તો ખરો જ, પરંતુ હમણા જે કામ મહાનતમ બેટ્સમેન ગવાસ્કર
અને મહાન ઓલરાઉન્ડર તેમજ પાકિસ્તાનના નવનિર્વાચિત વડાપ્રધાન ઇમરાન ખાનના સમકાલીન કપિલ દેવ જે આમંત્રણથી દૂર રહ્યા તે આમંત્રણ સિદ્ધુ એ સહર્ષ સ્વીકાર્યું જ નહિ પરંતુ ઇમરાન ખાનની તાજપોશીમા પહોંચી પણ ગયા.
સુનિલ ગવાસ્કર અને કપિલ દેવે શાણપણ દેખાડતા સંજોગ અને સમય પારખીને ઇમરાન ખાનનુ આમંત્રણ ટાળી દીધુ, કોઈ ન કોઈ બહાને...પરંતુ સિદ્ધુ આ પ્રસંગમા જવાની લાલચ રોકી શક્યો નહિ.
આમંત્રણ સ્વીકારતાની સાથે જ એ આમ પણ વિરોધીઓ અને દેશપ્રેમીઓના નિશાના પર આવી જ ગયો હતો તેમા પાછુ ત્યા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના પ્રમુખ સાથે બેઠક અને પાકિસ્તાન આર્મી ચીફ બાજવા સાથેના આલિંગનને કારણે એ હદે ટીકા થવા માંડી કે આ ભૂતપૂર્વ ક્રિકેટર અને અત્યારે પંજાબની કોંગ્રેસ સરકારના મંત્રી એવા નવજોત સિંહ સિદ્ધુની ખુદ એના જ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પણ આલોચના કરવી પડી હતી.
જ્યાં સુધી પાકિસ્તાનના અગ્રણી નેતાઓની સાથે બેઠકનો સવાલ છે ત્યાં સુધી સિદ્ધુનો ખુલાસો કે "એ મહેમાન હતો અને તેને જ્યા યજમાને બેસાડ્યો ત્યા બેઠો" એ ગળે ઉતારવા અને માન્ય રાખવા જેવી બાબત છે. પરંતુ પાક આર્મી ચીફ બાજવાને ભેટવાનુ કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય એમ નથી. અમરિન્દર સિંહે પણ એની આલોચના કરી જ છે. યાદ રહે પંજાબના મુખ્યમંત્રી એ ભારતીય લશ્કરમા કેપ્ટન રહી ચુક્યા છે. એમણે કહ્યુ જયારે રોજ આપણા જવાનો મારતા હોય ત્યારે પાકિસ્તાન ચીફ પ્રત્યે વ્હાલ, કોઈ કાળે સમર્થન ન કરી શકાય. હજી થોડા મહિના પહેલા જ મારી રેજીમેન્ટે એક મેજર અને બે જવાન ગુમાવ્યા છે જે માટે પાક ચીફ જ જવાબદાર છે.
વળી સિદ્ધુએ ત્યારે જવાનુ માંડી વાળવુ જોઈતુ હતુ જયારે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનુ નિધન થયુ હતુ. જયારે સમગ્ર રાષ્ટ્ર શોકમગ્ન હતુ ત્યારે આ મુલાકાત ટાળી દીધી હોત તો સિદ્ધુની વાહ વાહ થઇ હોત, કદાચ એ પોતાની કોંગ્રેસ નેતાગીરી નારાજ થાય એવુ કશુ કરવા નહિ માંગતો હોય. એક સમયે ભારતીય જનતા પાર્ટીના સભ્ય એવા સિદ્ધુએ અટલ બિહારી વાજપેયીને પોતાના રાજકીય ગુરુ પણ કહ્યા હતા પરંતુ પક્ષ બદલાતા સંબંધોના સમીકરણ પણ બદલાઈ જતા હોય છે, એ વાત પણ સિદ્ધુ એ સાબિત કરી છે. ગમે તેમ પણ આ રાજકારણ છે.
કોંગ્રેસે સિદ્ધુની અંગત મુલાકાત હતી કહીને પોતાના માથે ધોવાતા માછલા હડસેલવાની મથામણ કરી જ છે પરંતુ કોંગ્રેસ નેતાગીરી ઇચ્છતે તો સિદ્ધુને પાકિસ્તાન જવાથી રોકી જ શકે એમ હતા. પાકિસ્તાન જઈને શુ કરવુ પડશે અને ખુશી જાહેર કરવી પડશે જ એવુ તો સૌ કોઈ જાણતુ જ હતુ, સિદ્ધુથી માંડીને રાહુલ ગાંધી સુધી બધા, આ પ્રસંગે ઉદાસ ચહેરો, રોતલ વાતો કે પાકિસ્તાન જઈને પાકિસ્તાનને જ બે શબ્દો સંભળાવવાની હિમ્મત તો ભાજપવાળામા પણ નથી (એ તો ભારતમા એક જ ભડવીર પાક્યો હતો - ફિરોઝ ખાન) તો કોંગ્રેસવાળો કોઈ કરે એવુ વિચારવુ પણ મુર્ખામી ગણાય.
આમ પણ કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ એ તુષ્ટિકરણનો એક ભાગ રહ્યો છે. પોતાની મુસ્લિમ વોટબેન્કને સલામત અને ખુશ રાખવા કોંગ્રેસી નેતાગણ વારંવાર પાકિસ્તાન તરફી નિવેદનો આપતા જ રહે છે, ક્યારેક મણિશંકર ઐયર તો ક્યારેક સિદ્ધુ. આજ સુધી ઇન્દિરા ગાંધી સિવાય એક પણ કોંગ્રેસીએ ખોંખારો ખાઈને પાકિસ્તાન વિરુદ્ધ નિવેદન આપ્યુ હોય એવુ દેખાતુ નથી. નરેન્દ્ર મોદીને હરાવવા પાકિસ્તાનની મદદ માંગતા મણિશંકરના વિડિઓને બધાએ જોયો છે.
જ્યાં સુધી સિદ્ધુ નો સવાલ છે ત્યાં સુધી તેણે એ જ ભૂમિકા કે કામગીરી નિભાવી છે જે તેને સોંપવામા આવી હતી પરંતુ વધુ પડતા ઉત્સાહમા કંસાર કરવા જતા થુલી થઇ ગઈ. આમ પણ કોંગ્રેસ માટે જાદુ ની ઝપ્પી હવે જોખમની ઝપ્પી બનતી જાય છે. રાહુલ ગાંધીએ પણ પાર્લામેન્ટમા નરેન્દ્ર મોદીને ભેટવાનુ બીડુ ઉપાડ્યુ પણ આંખ દગો દઈ ગઈ. સિદ્ધુએ પણ બાજવાને ભેટતી વખતે ભયાનકતા નહિ વિચારી હોય.
કોંગ્રસીઓ અને કોંગ્રેસ સમર્થક વિપક્ષો સિદ્ધુની પાકિસ્તાન યાત્રાને મોદીની અચાનક મુલાકાત સાથે જોડવા પ્રયત્ન કરી રહ્યા છે જે પણ બુદ્ધિનુ દેવાળુ જ કહી શકાય. મોદી વડાપ્રધાન છે અને શાંતિના કે કૂટનૈતિક પ્રયત્ન કરવા એ હકદાર પણ છે અને મજબુર પણ છે. જયારે સિદ્ધુ માટે એવુ કોઈપણ પરિબળ કે મજબૂરી ન હતી.
સિદ્ધુએ પાકિસ્તાન જઈને ભાજપ અને કોંગ્રેસ વિરોધીઓને ઇંધણ જ પૂરુ પાડ્યુ છે. ભાજપવાળા જાણતા જ હતા કે ત્યા જશે એટલે કંઈકને કંઈક નવાજુની જરૂર થશે અને એટલે જ સરકારે પણ રોકવાનો પ્રયત્ન કર્યો નહિ. કોંગ્રેસે હવે આવા તાયફાથી દૂર રહેવાની જરૂર છે. વધુ પડતી પાકિસ્તાન પ્રીત સાચા ભારતીય મુસલમાનોને પણ આવકાર્ય કે સ્વીકાર્ય નથી જ નથી.
ઝગલાનો ઝપાટો -
રાજકીય ચેતવણી - ભેટવુ હાનિકારક સાબિત થઇ શકે છે.

No comments:
Post a Comment